અગાઉના બ્લોગ માં જણાવ્યા અનુસાર સુરત માં ૨ કોટ હતા. તેમાંથી આપણે સુરતનો બહારનો કોટ (“આલમપનાહ કોટ“) વિશે જાણકારી મેળવી હતી. આજે સુરતનાં અંદરના કોટ ” શહેરપનાહ કોટ ” વિશે જાણીશું.

ઉપર દર્શાવેલ આ દરવાજો શહેરપનાહ કોટ નો ભાગ છે. સુરત ના ખજૂરાવાડી વિસ્તારમાં આવેલા આ દરવાજા ને ખજૂરાવાડી ગેટ તરીકે ઓળખવામાં આવે છે. સુરતના કિલ્લાની ઉત્તર ના ભાગમાં આ કોટ નો થોડોક ભાગ બચેલો છે.

ઇ.સ. ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા આક્રમણ પછી સુરત ની રક્ષા માટે સુરતના નવાબ મુસ્તદી રઇત ખાન ઉર્ફ રિઆયત ખાને ઇ.સ. ૧૬૭૯ માં આ કોટ બાંધી તૈયાર કર્યો હતો. જેની ઊંચાઈ ૧૨ મીટર હતી.

આ કોટ ને બાંધવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો હતો જેની લંબાઈ ૩ માઈલ જેટલી હતી. આ કોટને ૧૪ દરવાજા હતા. જેમાંથી હાલ આ એક જ દરવાજો હયાત છે. આલમપનાહ કોટની જેમ આ કોટ પણ ગોળાકાર આકારમાં સુરતના ફરતે તેની રક્ષા કરતું હતું.

આ કોટને પણ આલમપનાહ કોટના દરવાજા ની જેમ ફ્લડ ગેટ હતા. જેથી પુરનું પાણી સુરત શહેરમાં ન પ્રવેશે. આ કોટની દિવાલ અંદાજે ૧૦ ફૂટ જેટલી પહોળી હતી.જેના પર સૈનિકો પહેરેદારી કરતા હતા. આ કોટ ની બહારની બાજુએ કોટને અડીને ખાડી પણ હતી.

હવે આ કોટ પણ તૂટવાની હાલતમાં છે. આ દરવાજાની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટ માંથી લોકો અવારનવાર અહીં કચરો નાખતા હોય છે. અંદાજે ૩૦૦ થી ૪૦૦ વર્ષ જૂની આ ઐતિહાસિક સ્થળ દિવસેને દિવસે કચરાના ઢગલાં નીચે દબાઇ રહી છે.

જાળવણીના અભાવ ના કારણે આ કોટની દીવાલો જર્જરિત થઈ ગઈ છે. સુરત મહાનગર પાલિકા પણ આ કોટની જાળવણી કરવાને બદલે તેને તોડવા વધુ રસ દાખવે છે.

ક્યારેક સુરત ની રક્ષા કરતી આ દીવાલો આજે કચરાની વચ્ચે ધૂળ ખાય છે.

SMC ને વિનંતી કે બાકી રહેલા આ શહેરના ઐતિહાસિક સ્થળ સમાન કોટને સંરક્ષણ આપે.

* સમાપ્ત *